Flower, Sayari and Historical City, Palanpur



                ફૂલોની સુગંધ અને શાયરીઓ તથા હીરાઉધોગનું શહેર એટલે પાલનપુર. ચંદ્રાવતીના પરમાર પ્રહલાદનદેવ ધ્વારા સ્થાપિત આ નગર એક જમાનામાં બગીચા અને અંતરની સુગંધનું શહેર હતું. આજે પણ વિદેશમાં પાલનપુરનું અંતર પ્રખ્યાત છે. પાલનપુરના પ્રકૃતિ પ્રેમને વાચા આપતો શશીવન-જહાંનઆરા બાગ આજે પુનઃનવપલ્લીત કરી શહેરીજનો માટે એક અનોખી ભેટ ધરી છે. પાલનપુરી સાહિત્યકારોએ વિશેષ કરીને ગઝલ, શેરો-શાયરીમાં અનોખી નામના ધરાવે છે.

        પ્રહલાદનદેવ, હીરવિજયસુરીથી શરૂ થયેલી સર્જક પરંપરાએ શુન્ય પાલનપુરી, મુસાફીર પાલનપુરી, અમર પાલનપુરી જેવી પ્રતિભાઓ આપણને ભેટ મળી છે.

            પાલનપુર શહેરમાં નવાબી શાસનકાળ દરમ્યાન નવાબી શાસનની ઐતિહાસિક તવારીખો દર્શાવતો, રેલ્વે સ્ટેશનથી નગરમાં પ્રવેશતાં પ્રાચીન ભવ્યતાની યાદ આપતા સ્મારક રૂપે કીર્તિસ્તંભ ઉભો છે. નવાબી શાસનની યાદગીરીના નમુના રૂપે તૈયાર કરેલ કીર્તિસ્તંભની ડીઝાઇન પણ પોતે નવાબ શ્રી તાલેમહંમદખાને કરેલી અને તેમના રોજકામના અઢારમા વર્ષે તા.૬-૩-૧૯૩૬ માં સ્વ.નવાબ શેર મહંમદખાન બહાદુરની સ્મૃતિમાં આ સ્મારક બંધાવેલ હતો. હાલમાં આ સ્મારક ને નવીન રંગોથી સજાવટ ધ્વારા શોભાયમાન છે. કીર્તિસ્તંભની બાજુમાં જ પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે તે પાલનપુર શહેરની કીર્તિમાં વધારો કરે છે. સિધ્ધરાજ જયસિંહનો જન્મ પણ પાતાળેશ્વર મહાદેવના મંદિર બાજુમાં થયો છે. પાલનપુરના ઇતિહાસમાં અને કીર્તિસ્તંભ ઉપરના શિલાલેખમાં પણ પાતાળેશ્વર મહાદેવની જગ્યા સિધ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ હોવાનો ઉલ્લેખ છે. પરંતુ તેની વિશેષ વાત એ છે કે પાતાળમાંથી ચમત્કારિક શિવલિગ પ્રગટ થયેલ છે.


              ઇ.સ.૧૧૫૦ માં પાલનપુરમાં વિશ્રામ દરમ્યાન ગર્ભવતિ મિનળદેવીની કુખે તેજસ્વી બાળકનો જન્મ થયો. જે મોટો થતાં સિધ્ધરાજ જયસિંહ તરીકે પ્રસિધ્ધિ પામ્યો. પુત્ર સિધ્ધરાજના જન્મની ખુશાલીમાં માતા મિનળદેવીએ આ સ્થળે એક વાવ ખોદાવવાની શરૂ કરી. ખોદકામ દરમ્યાન પાતાળમાંથી સ્વયંભુ શિવલીંગ પ્રગટ થયેલું જોઇ મીનળદેવીએ તે સ્થળે મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. આ મંદિરની રચના પાતાળ આકારનું હોઇ તેનું નામ પાતાળેશ્વર મહાદેવ રાખવામાં આવેલ છે. અને એક બીજીવાત એકે ત્યાં એક પથ્થર નીકળ્યો જેના પર નાગદેવની આકૃતિ હતી.

          પાલનપુરની ભુમિ પર અનેક સંત-ભકતો થઇ ગયા છે. જેમાં પાલનપુર મીરાં દરવાજા બહાર આવેલી આવી જ એક ખ્યાતિ પામેલી જગ્યા સુફી સંત મુરશદ બાપુની દરગાહ આવેલી છે. પાલનપુર નવાબ સમયમાં બાંધકામ પામેલ આ નવીન દરગાહ પર પાલનપુર નવાબ પણ આ બાબામાં ધણી શ્રધ્ધા ધરાવતા હતા.અહી બાજુમાં સૂફી સંત અનવરકાઝીની દરગાહ છે. ઓલીયા મસ્ત ફકીર અમીરબાપુની દરગાહ શરીફ આ પવિત્ર જગ્યાએ આવેલ છે. ઉત્તર ગુજરાતમાં તેમના હિન્દુ-મુસ્લિમ શિષ્યો ધણા છે. અનવર કાવ્ય નામનો તેમના સૂફી ભજન સંગ્રહ જાણીતો છે. આ સ્થળ કોમી એકતાના પ્રતિક સમાન છે.


    અકબર બાદશાહ પ્રતિબોધક જગદગુરુ શ્રી હીરવિજય મહારાજની જન્મભુમિ પાલનપુર શહેરની મધ્યમાં તેમના જ જન્મ સ્થળની સામે આવેલું પાલનપુર નુ પ્રસિધ્ધ જૈન દેરાસર શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ દેરાસર (મોટા દેરાસર) એક સુંદર અને ભવ્ય જિનાલય પણ આવેલ છે.