પાલનપુરી ગઝલનો યુગ આથમી ગયો !!!
ઇશ્ક પાલનપુરી
પાલનપુરના પ્રખ્યાત
શાયર જનાબ યુગ પાલનપુરી સાહેબ હવે આપણી વચ્ચે નથી રહ્યાં એમની ગેરહાજરીથી જાણે પાલનપુરી ગઝલનો એક આખો
યુગ આથમી ગયો.18મી જુલાઈની રાત્રે ટૂંકી માંદગી બાદ એમના નિવાસ સ્થાને એમનું દુઃખદ
અવસાન થયું હતુ. જેમની દફનવિધીમા એમના પરિવારજનો, કવિશ્રી મુસાફિર પાલનપુરી, મૌલિક પાલનપુરી,વગેરે સાહિત્યકારો
ની સાથે સાથે પાલનપુરના હિન્દૂ અને મુસલમાન સાહિત્ય રસિક મિત્રો જોડાયા હતા. મર્હુમ યુગ પાલનપુરીની ઝિયારત-બેસણું શુક્રવાર
તા.ર૧/૭/૧૭ના રોજ સવારે ૯ વાગે તેમના નિવાસસ્થાન ભક્તોની લીંમડી-હાજીફળી ખાતે
રાખેલ હતું.
યુગ પાલનપુરી એમનું તખ્ખલુસ છે વળી
એમનું બીજુ તખ્ખલુસ હસીન પાલનપુરી પણ છે મારા મત મુજબ એ ઉપનામ નો ઉપયોગ તેઓ તેમની
હિન્દી અને ઉર્દૂ ભાષાની ગઝલોમાં કરતા. એમનુ મૂળ નામ ઇબ્રાહિમ ભાઇ કુરેશી હતુ એમનો
જન્મ તારીખ 15-07-1942 ના રોજ પાલનપુરના કુંજ ગલી વિસ્તારમાં થયો હતો. એમની માતાનુ નામ
રહેમતબાઈ અને પિતાનુ નામ અહેમદહુસેન કુરેશી હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે એમના
પિતાશ્રી અહેમદહુસેન કુરેશી પાલણપુર રાજ્યના નવાબ તાલેમહંમદખાનજીને ત્યાં નોકરી
કરતા હતા. એમની આઠ વર્ષની નાની ઉંમરે એમણે પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી.
તેમણે પાલનપુર સીવીલ હોસ્પિટલ ખાતે તેમજ મહેસાણા ખાતે લેબ ટેકનીશીયન તરીકે ફરજ
બજાવી હતી.
એમની જીવનભરની ગઝલ સાધનાના ફ્ળ
સ્વરૂપે થોડા વર્ષો પહેલા જ તારીખ 08-08-2015 ને શનિવાર ના રોજ ઓડિયો/વિઝ્યુલ હોલ, જી. ડી મોદી વિદ્યા સંકુલ પાલનપુર
ખાતે એમનો ગઝલ સંગ્રહ 'કુંજ ગલી' પ્રસિદ્ધ થયો હતો જેની પ્રસ્તાવના ગઝલ
અભ્યાસુ ગઝલકાર અને શહીદે ગઝલ સામાયિકના સંપાદક કવિશ્રી શકીલ કાદરી સાહેબે લખી હતી.
શકીલ કાદરી સાહેબના કહેવા મુજબ યુગ સાહેબ તેમના ઉપર અપાર સ્નેહ રાખતાં હતા અને
એમની ઇચ્છા અને આગ્રહ એવો હતો કે હું એની પ્રસ્તાવના લખુ અને તેથી જ શકીલ સાહેબે
પ્રસ્તાવના લખી હતી.
આ સમારોહમા મુખ્ય મહેમાન તરીકે શ્રી બી.જે શેઠના ,(પુર્વ ચીફ જસ્ટીસ ગુજરાત હાઇકોર્ટ)
હાજર રહ્યાં હતા અને ગઝલ સંગ્રહ નુ વિમોચન શ્રી ઈંદુભાઇ બ્રહ્મભટ્ટ (તંત્રી શ્રી
વેલકમ, મહેસાણા) દ્રારા કરવામા આવ્યુ હતુ. આખા
કાર્યક્રમનું સંચાલન કવિશ્રી બાગી પાલનપુરી સાહેબે કર્યું હતુ અત્રે ઉલ્લેખનીય છે
કે આ કાર્યક્રમમા પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ચીરાગભાઈ કોરડિયા(જીલ્લા પોલીસ
અધિક્ષક), દિલીપભાઈ રાણા (કલેકટરશ્રી બનાસકાંઠા) કવિશ્રી સી. એસ.ઓઝા ઉર્ફે 'મુન્સિફ' મહેસાણવી (પુર્વ જસ્ટીસ સિટી કોર્ટ
ભદ્ર, અમદાવાદ) વગેરે મહાનુભાવો તેમજ
પાલનપુરના સાહિત્ય રસિક લોકો હાજર રહ્યા હતા.
કુંજ ગલી કે જેમાં તેમણે એકથી એક ચઢિયાતી ગઝલો
લખી વાંચકોને રસતરબોણ કર્યા હતા. આ લખનારને એક જ વખત યુગ સાહેબને મળવાનો અવસર મળ્યો હતો વાત એમ હતી કે
સને 2010ના પ્રથમ દિવસે બનાસકાંઠાની સાહિત્યિક
સંસ્થા શબ્દ સાધના પરિવાર દ્રારા અમારા જેવા નવોદિત કવિઓને પ્રોત્સાહન આપવા સારૂં
કલ્યાણ તંત્ર ભવન ખાતે એક મુશાયરાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા બહારથી કવિશ્રી
અનિલભાઈ ચાવડા ,રાજેશભાઇ વ્યાસ મિસ્કીન,તેમજ પ્રશાંત કેદાર જાદવ તથા પાલનપુરના બીજા સ્થાનિક કવિઓ હાજર રહ્યાં
હતા. જેમા યુગ પાલનપુરી સાહેબ પ્રથમ હરોળમાં શ્રોતા તરીકે હાજર હતા જે બાબતે મને તો ખ્યાલ જ ન્હોતો
મુશાયરો પૂરો થયા બાદ લોકો છુટા પડી રહ્યા હતાં તયારે યુગ સાહેબના સમકાલીન ગઝલકાર 'મન'પાલનપુરી સાહેબે યુગ સાહેબ તરફ આંગળી ચિંધતા કહ્યું કે ઇશ્ક આમને
ઓળખે છે?. મે કહ્યું “ ના !” ત્યારે એમણે કહ્યું કે આ છે પાલનપુરના
જાણીતા શાયર યુગ પાલનપુરી ! જૈફ વયે પણ બહુ ઝાઝરમાન વ્યક્તિત્વ અને સ્વભાવે પણ બહુ
માયાળુ. મે એમને મારી ડાયરીમાં કશુંક લખીને ઓટોગ્રાફ
આપવા વિનંતિ કરી તો હોલની બહારની સાઈડ ઓટલા ઉપર બેસીને ગઝલ લખવા પ્રયત્ન કરેલો પણ
હાથ ધ્રુજતા હોઇ એમને મુશાયરામા લઇને આવેલા એમનાં પૌત્રને એ બોલે એમ મારી ડાયરીમાં
લખવા કહેલું એ ગઝલ બોલતા રહેલા અને અમે સાંભળતા રહેલા એમનો પૌત્ર લખી રહ્યો ત્યાર
બાદ એમણે મારી ડાયરી લઇને ગઝલ નીચે એમના દસ્તખત કરી આપેલા જે આજે પણ મારી ડાયરીના
પાને સચવાયેલા છે.
એ વાતનો રંજ રહેશે કે એ મુશાયરામા યુગ
સાહેબને સાંભળી ના શક્યા અને એમને સ્ટેજના બદલે એમણે શ્રોતા ગણમાં બેસવું પડયું
એમની સાથે એવું જ બન્યુ છે ક્યાંક ને ક્યાંક એમના સમકાલીન કવિઓ દ્રારા એમની
ઉપેક્ષા થતી રહી છે. પણ યુગ સાહેબ તો અલગારી જીવ એમણે આ વાતે કયારેય દુખ વ્યકત નથી
કર્યું ગુજરાતના ઘણા સ્થળોએ અલગ અલગ મુશાયરામાં એમણે ભાગ લીધો હતો. એમની રચનાઓ
કયારેક ક્યારેક ગુજરાત ટૂડે દૈનિકમાં રવિ પૂર્તિના મેઘધનુષ્યમાં છપાતી હતી .મર્હુમ
યુગ પાલનપુરી ‘ગુજરાત ટુડે’ના ખૂબ જ પ્રશંસક હતા. આ શિવાય જુદા જુદા સામાયિકોમા
સમયાંતરે એમની રચનાઓ સ્થાન પામતી રહી હતી કવિશ્રી ચેતન ફ્રેમવાલા સંચાલિત મુંબઈની સાહિત્યિક
સંસ્થા ધબકાર દ્રારા 101 મી બેઠક યુગ
પાલનપુરીને સમર્પિત કરવામાં હતી. જેમા એમનાં સાહિત્ય સર્જન વિશે વાત કરવામા આવી
હતી એમના અવસાન ની નોંધ ગુજરાત ટૂડે અને બીજા સ્થાનિક મીડિયાઓએ લીધી હતી અને ઘેરો
શોક વ્યકત કર્યો હતો
પ્રસિદ્ધિનો મોહ ક્યારેય એમને લલચાવી શક્યો નથી આ સંદર્ભે એમનું એક
મુક્તક જોઈએ
છળ કપટથી દ્વેષથી જે દૂર થઇ ગયા
કોણે કહ્યું કે એજ બધા નૂર થઇ ગયા
સહેલું નથી ઓ દોસ્ત મકબુલ થઇ જવું
બાકી ઘણાંએ માણસો મશહુર થઇ ગયા
એમની સાથેના સ્મરણ ના ભાગરૂપે એ જ ગઝલ અત્રે મુકું છું જે મારી
ડાયરીમાં લખાયેલી છે
કદી દોસ્તી છે કદી દુશ્મની છે.
બહુરૂપિયા જેવી આ જીંદગી છે.
તને રૂપ એવું મળ્યું છે ખરેખર,
ખુદાની કસમ સ્વર્ગની તું પરી છે.
રહે જેની સેવામાં હાજર ફરિસ્તા!,
ખબર છે તને એવો તું આદમી છે.
અદબ સાથે યુગનો પરિચય છે જુનો,
કહ્યું કોણે તુજને કે તું અજનબી છે
જે મુશાયરો મારા માટે જીવનભરની મોંઘી મિરાત બની રહ્યો. એમને મળ્યા
પછી એમને લાગુ પડતો એમનો જ એક શેર
હૈયામાં આઈના સમાવ્યા છે એટલે ;
જોવામાં તને કેટલો આસાન થાઉં છું !
કુંજ ગલી ના મુખપૃષ્ઠ પર આ શેર જોવા
મળે છે મારા મતે કવિ નો બહુ ગમતો શેર હશે
મારા જ ઘરના દર્પણે એવું મને કહ્યું
તિરાડ શી પડી ગઈ ઘરના ઉજાશને
શાયર કેવા નેક દિલ આદમી હશે એ એમના એક
શેર પર થી ખ્યાલ આવશે
આગ પાણીમાં લગાવીને તું વિખવાદ ન કર ;
કર ભલું કોઈનું પણ, કોઈને બરબાદ ન કર !
“દુનિયા હમારી ક્યું ભલા ફરિયાદ કરેગી, બેઠે હૈ જીસ જગા વો જગા યાદ કરેગી
ઔરો કે લિયે જીયે જો મરને કે બાદભી, દુનિયા હસીન ઉનકો યાદ કરેગી”
એમની એક બીજી ગઝલ જોઈએ
એવી કરી છે પ્રીત તને નહીં સમજ પડે
છે હારમાંય જીત તને નહીં સમજ પડે.
અંદાજ મારો એટલે ખોટો પડ્યો નહીં,
હું શું ગણું ગણિત તને નહીં સમજ પડે.
ખુશ્બુ હ્રદયમાં પ્રીતની રાખ્યા વિના
હવે,
મારી ગઝલ કે’ગીત,તને નહીં સમજ પડે.
બોલ્યા વિના ય બોલે ચ્હેરો કદી કદી,
ચ્હેરાની વાતચીત તને નહીં સમજ પડે.
તારા વિનય વિવેકમાં કંઈ પણ ઉણપ નથી
સત્કારવાની રીત તને નહીં સમજ પડે.
ઠંડક મળે-સુગંધ મળે-તાજગી મળે,
કોને કહે છે સ્મિત તને નહીં સમજ પડે.
એથી કહું છું હં બધે સતયુગની વાતને,
એમાં છે’યુગ’નું હીત,તને નહીં સમજ પડે.
શબ્દ દેહે હંમેશા યુગ સાહેબ આપણી
વચ્ચે રહેશે
પાલનપુરી ગઝલ ના એક વારસ તરીકે યુગ
સાહેબ ને લાખો લાખો સલામ અને શ્રદ્ધાંજલિ
“જમાનાને સુવાસિત સદ્ગુણો અર્પણ કરી ચાલ્યા
કે દુનિયા સાંભળે સદિયો લગી યુગની
કથાઓને "
No comments:
Post a Comment